Thursday, 25 July 2013

સાપેક્ષવાદ અને ભારતીય તત્વજ્ઞાન

   
                                           સાપેક્ષવાદ અને  ભારતીય  તત્વજ્ઞાન           
                                                                        લેખક :- ડો. મૌલેશ મારૂ
            હિંદુ તત્વજ્ઞાન અને  આઇન્સ્ટીન ના સાપેક્ષવાદ માં ઘણી સામ્યતા છે . સાપેક્ષવાદ ના અસ્તિત્વ ના
 ઘણા સમય પહેલાના વેદ અને ઉપનિષદના વિચારોની આધુનિક વિજ્ઞાન ની વિચારધારા સાથે ની
સામ્યતા પ્રકૃતિ વિષે ની આપણી સમજુતી કેટલી અદભુત અને સચોટ છે તેનો પુરાવો છે. આ બન્ને
વિચારધારા ના  સમન્વય થી પ્રકૃતિ -કુદરત ને સમજવાનો અભ્યાસ અત્યંત રસપ્રદ છે.
    સર્વપ્રથમ આધુનિક ભૌતિકશાસ્ત્ર  ના મુખ્યત્વે સાપેક્ષવાદ ના તારણો જોઈએ ,
આ તારણો સમજવા માટે , આપણે બે વ્યક્તિ (Observer) નો વિચાર કરીએ .ધારોકે બે
માંથી એક સ્થિર છે ,અને બીજી અચળ વેગ થી ગતિ કરે છે .આ બન્ને વ્યક્તિ થી સ્વતંત્ર હોય તેવી
જગ્યાએ કોઈ ઘટના બને તો , બન્ને વ્યક્તિ   (દ્રષ્ટા ) આ ઘટનાને જુદી જુદી રીતે અવલોકે છે .ઉદાહરણ,તરીકે ધારોકે બે વસ્તુ ,એકી સાથે નીચે પડે છે ,સ્થિર વ્યક્તિ ને બન્ને એકી સાથે પડતી દેખાશે, જયારેગતિમાન વ્યક્તિ ને આ વસ્તુ એકી સાથે પડતી નહિ દેખાય .ટૂંકમાં કોઈપણ ઘટનાનું અવલોકનદ્રષ્ટા પોતાની રીતે કરે છે ,ટૂંક માં વસ્તુનું અવલોકન સાપેક્ષ છે .

                 આઇન્સ્ટીન નો સાપેક્ષવાદ બે તબક્કા માં રજુ થયેલ છે. પ્રથમ ૧૯૦૫ માં વિશિષ્ટ સાપેક્ષવાદ અસ્તિત્વ માં આવ્યો.આ વાદ ની માન્યતા મુજબ ,કોઈપણ પરિસ્થિતિ માં પ્રકાશ ની ઝડપ (Speed) અચલ રહે છેઅને  ન્યુટન ના ગતિ ના નિયમો પણ એક સમાન જળવાઈ  રહે છે. કોઈ પણ પદાર્થ નું દ્રવ્યમાન તેની ગતિ પર આધારિત છે, પદાર્થ નો વેગ વધે તેમ તેનું દ્રવ્યમાન વધે છે.ગતિમાન ઘડીઆળ ધીમી ચાલે છે. પદાર્થ ના દ્રવ્ય નું શક્તિ માં અને શક્તિ નું દ્રવ્ય માં રૂપાંતર થઇ શકે છે. જો "m" દ્રવ્યમાન  ના પદાર્થ નું વિઘટન થઇ અને શક્તિ માં રૂપાંતર થાય તો પ્રાપ્ત થતી શક્તિ ,"E" નું મૂલ્ય E=mc2 જેટલું હોય છે , “c” પ્રકાશ ની ઝડપ છે . હકીકત માં આ સમીકરણ પરથી જાણવા મળ્યું કે  પરમાણુમાં પ્રચંડ શક્તિ રહેલી છે જેનો ઉપયોગ સમાજ ના ભલા માટે સર્જનાત્મક કાર્ય માટે થઇ શકે અને તેની મદદ થી અણુબોમ્બ જેવા વિશ્વ નો નાશ કરી શકે તેવા વિનાશાત્મક સાધનો બનાવવામાં પણ થઇ શકે .
            ઉપરોક્ત ચર્ચેલ સાપેક્ષવાદ ને વિશિષ્ઠ સાપેક્ષવાદ તરીકે ઓળખવામાં આવેછે .૧૯૦૭ – ૧૯૧૫ દરમ્યાન આઇન્સટાઈને આ વાદ ને વધુ વ્યાપક સ્વરૂપ આપ્યું જેને વ્યાપક સાપેક્ષવાદ (General theory of relativity ) તરીકે ઓળખવામાં આવેછે . આ વાદ માં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ની સાપેક્ષે ગતિમાન અને સ્થિર પદાર્થ નો અભ્યાસ કરવામાં આવેલો છે . આ વાદ ના તારણોનીચે મુજબ છે .
(૧) ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ના ઊંડાણ માં જતા ઘડિયાળ ધીમી પડે છે .
(૨) ગ્રહો સૂર્ય ની આસપાસ જે પરિભ્રમણ કક્ષા માં ફરે છે તે કક્ષાનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે .આ વાત બુધ ના ગ્રહ માટે તથા બાયનરી પલ્સાર્સ માટે પ્રયોગિક રીતે  સાબિત  થયેલ છે.
(૩) ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ની અસર થી પ્રકાશ નું કિરણ વંકાય છે (Band).
(૪) વિશ્વ નું વિસ્તરણ થાય છે (Expanding),અને આપણાથીખુબ દુર ના ભાગ નું વિસ્તરણ તો પ્રકાશ ની ગતિ કરતાંય વધુ ઝડપે થાય છે .
(૫) પરિભ્રમણ કરતો પદાર્થ તેની આસપાસ ના અવકાશ સમય તરફ ઘસડાય છે .
            સાપેક્ષવાદ ની એટલી સમજુતી બાદ જુદા જુદા ધર્મ ના તત્વજ્ઞાન ની સમજુતી માં આ વાદ કેટલો  ઉપયોગી થાય છે તેની ચર્ચા અત્યંત રસપ્રદ છે .
              જૈન ધર્મ ના મૂળભૂત “ સ્યાદ્વાદ “(Syadvad) ને તો જૈન ધર્મ ના સાપેક્ષવાદ તરીકે પણ ઓળખવામાં આવેછે.આ વાદ ની માન્યતા મુજબ કોઈ પણ પદાર્થ આપણને જે  સ્વરૂપ નો દેખાતો હોય તેવુજ તેનું સ્વરૂપ હોય તે જરૂરી નથી . ટૂંકમાં કોઈપણ પદાર્થ નું અવલોકન સાપેક્ષ હોય છે અને દ્રષ્ટા ની સંદર્ભ ભૂમિકા પર આધારિત હોય છે.આની સમજુતી માટે ના એક પ્રચલિત ઉદાહરણ મુજબ કોઈ એક વ્યક્તિ નો વિચાર કરીએ તો આ વ્યક્તિ પુત્ર, પિતા ,ભાઈ , ભાણેજ ,ભત્રીજો ,પિત્રાઈ ,જમાઈ , -----ઘણા સ્વરૂપ ધરાવતો હોય છે . અને આ દરેક સંબંધ   સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે . જૈન ધર્મ ની જેમ બૌદ્ધ ધર્મ માં પણ સાપેક્ષવાદ અસ્તિત્વ ધરાવે છે બૌદ્ધ ધર્મ મા એક સિધ્ધાંત ઉદગમ ની પરાધીનતા ના નિયમ (Law of dependence origination) તરીકે ઓળખવામાં આવે છે.  વ્યાપક રૂપે આ સિધ્ધાંત  સૂચવે છે કે , કોઈપણ ઘટના કે વસ્તુ સ્વતંત્ર રીતે ઉદભવ કે નાશ પામતી નથી , પરંતુ તે બીજી કોઈ વસ્તુ ની સાપેક્ષ માં જ થતી હોય છે. આ નિયમ પાલી ભાષા માં પટીક્કા-સમુપ્પદા (Paticca-samuppada) તરીકે ઓળખાય છે.
           હિંદુ ધર્મ કે જેમાં વેદ અને ઉપનિષદ મુખ્ય ગણાય છે તેનો વિચાર કરીએ , હિંદુ તત્વજ્ઞાન નું  એક મહત્વનનું  વિધાન “अहं ब्रह्मास्मि “ એટલેકે હું બ્રહ્મ છું ,એટલેકે હું દ્રષ્ટા છું , અને આ જગતની બધી ઘટનાઓ મારી સાપેક્ષ માં જ થાય છે .સાપેક્ષવાદ માં દ્રષ્ટા, કે જેની સાપેક્ષમાં બધી વસ્તુઓ કે ઘટના આકાર લેતી હોય છે તેને “નિરપેક્ષ” (Absolute) ગણવામાં આવે છે. હિંદુ માન્યત મુજબ હું બ્રહ્મ છું ને સાપેક્ષવાદ ની પરિભાષા માં હું નિરપેક્ષ દ્રષ્ટા છું (I am an absolute observer ) એમ કહી શકાય . જોકે હિંદુ તત્વજ્ઞાન સાપેક્ષવાદ થી ઘણું આગળ છે તેમાં  દ્રષ્ટા સ્થૂળ નથી , દ્રષ્ટા સામાન્ય પ્રયોગ કરતો કોઈ દેહધારી મનુષ્ય નથી , દ્રષ્ટા તો છે મનુષ્ય માં રહેલો આત્મા . આત્મા ની પરિકલ્પના એટલી અદભુત અને તાર્કિક છે , કે તેના અસ્તિત્વ ને માનવા માટે કોઈ પ્રાયોગિક ચકાસણી ની આવશ્યકતા રહેતી નથી.
             સાપેક્ષવાદ ની સમય ની સાપેક્ષતા નો વિચાર હિંદુ તત્વજ્ઞાન માં પણ કરવામાં આવેલ છે. સમય ની વાત કરીએ એટલે પ્રથમ ભર્તૃહરિ યાદ આવે ,વૈરાગ્ય શતક માં તેમણે કહ્યા મુજબ 
                                     भोगा भुक्ता वयमेव भुक्ता स्तपो तप्तं वयमेव तप्ताः
                                     कालो यातो वयमेव याता तृष्णा जीर्णा वयमेव जीर्णाः |
      ભર્તૃહરિ સરસ વાત કરી છે , જીવન દરમ્યાન આપણને અહેસાસ થાય કે મેં ઘણા ભોગ ભોગવ્યા ,પરંતુ વાસ્તવ માં ભોગ તો એમને એમ રહે  છે ,આપણે ભોગવાઈ જઈએ છીએ  . આવુંજ તપ અને તૃષ્ણા નું પણ છે .અગત્ય ની વાત સમય ની છે ભર્તૃહરિ ની માન્યતા મુજબ સમય નથી વહેતો પરંતુ આપણે સમય માંથી પસાર થઇ જઈએ છીએ . આનો અર્થ એમ પણ થાય કે સમય નિરપેક્ષ છે .!!!        
     સમય ની સાપેક્ષતા આપણા વેદ અને ઉપનિષદ માં જે રીતે જોવા મળે છે , તે કદાચ સાપેક્ષવાદ ની માન્યતા થી પણ ખુબ આગળ છે .આપણા શાસ્ત્ર માં મનુષ્યો માટે નો સમય અને  બ્રહ્મા ના સમય ની સાપેક્ષતા ગણત્રી  કરીને દર્શાવવામાં આવેલ છે. એક ગણત્રી મુજબ આપણી પૃથ્વી પરના ૪.૩૨ ટ્રીલીયન વર્ષ (દસ લાખ x દસ લાખ વર્ષ ) બ્રહ્મા ના એક દિવસ કે રાત જેટલા થાય છે . સાપેક્ષવાદ ની દ્રષ્ટિ એ વિચાર કરીએ તો પૃથ્વી ની સાપેક્ષમાં બ્રહ્મા ની ઘડિયાળ ખુબ ધીમી ચાલે છે.કલ્પના કરો કે સમય નો એટલો મોટો ગાળો રહેતો હોય તો બ્રહ્મા જે સંદર્ભ ભૂમિકા માં છે તે પૃથ્વી ની સાપેક્ષમાં કેટલી ઝડપ થી   ગતિમાન હશે ? અને આ ઝડપે ગતિ કરતી વસ્તુ ની ગતિ આપણે માપી શકીએ નહિ એટલુજ નહિ આ ગતિ ને અનુભવી પણ શકાય નહિ અને એટલેજ હિંદુ માન્યતા મુજબ બ્રહ્મ દરેક ક્ષણે દરેક જગ્યા એ અસ્તિત્વ ધરાવે છે. અને એટલેજ કહ્યું છે ને કે “ब्रह्म सत्य जगत् मिथ्या|  
સાપેક્ષવાદ ની એક અદભુત સામ્યતા ભગવદ્ગીતા માં જોવા મળે છે ગીતા ના વિશ્વરૂપ દર્શન નામના ૧૧ માં અધ્યાય માં ભગવાન કૃષ્ણ ના વિરાટ સ્વરૂપ માં તેમના મુખ માં અર્જુન ને ભુત, ભવિષ્ય અને વર્તમાન કાળ ના દર્શન થાય છે જે વ્યાપક સાપેક્ષવાદ માંએકરૂપ બિંદુ ( singularities) ની પાસે અવકાશ અને સમય ની યામ પદ્ધતિ ની નિષ્ફળતા (  collapse) ની ઘટનાની યાદ આપે છે. વિશ્વરૂપ દર્શન ઈશ્વર ના  સ્થળ અને કાળ થી પર અસ્તિત્વ ની કલ્પના માત્ર નથી પરંતુ ઈશ્વર ના અસ્તિત્વ ની અનુભૂતિ છે.  
  સાપેક્ષવાદ અને ક્વોન્ટમ વાદ ના સંશોધન થી હિંદુ તત્વજ્ઞાન ને પ્રાયોગિક પ્રમાણ પણ પ્રાપ્ત થયેલ છે .પરમાણુ ના અભ્યાસ થી આપણને જાણવા મળ્યું કે લોખંડ કે સોનામાં તેમના મૂળભૂત પરમાણુમાં ઈલેક્ટ્રોન કે પ્રોટોન ની સંખ્યા ના ફેરફાર સિવાય બીજો કોઈ તફાવત નથી ,અહી આદ્ય કવિ નરસિંહ મહેતા યાદ આવે  “ ઘાટઘડ્યા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમ નું હેમ હોયે .” અથવાતો દરેક પદાર્થ ને અનુલક્ષી ને કહી શકાય કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે “ પરમાણુ ના અભ્યાસ માં જાણવા મળ્યું કે પરમાણુમાં ઈલેક્ટ્રોન તથા પ્રોટોન ની વચમાં અવકાશ રહેલો છે. , તથા ઈલેક્ટ્રોન અને પ્રોટોન ની સાથે તરંગ સંકળાયેલ હોય છે . જેમ જેમ ઊંડાણ માં જઈએ તેમ આપણને અનુભૂતિ થાય કે આપણને દેખાતુંપૃથ્વી નું નક્કર સ્વરૂપ  એ આભાસ માત્ર છે હિંદુ તત્વજ્ઞાન મુજબ કહીએ તો સમગ્ર જગત “ માયા “ છે અને જો માયા છે તેનો રચનાર નિયંતા પણ જરૂર છે , આ નિયંતા એટલેજ પરમેશ્વર !!   
વિશ્વ ની ઉત્પત્તિ માટે ની  આધુનિક વૈજ્ઞાનિક માન્યતા મુજબ પ્રારંભ માં સંપૂર્ણ શૂન્યાવકાશ હતો ,તેમાંથી સુક્ષ્મ ફેરફારો થવાની શરૂઆત થઇ , એ વખતે પ્રકાશ નો પણ ઉદભવ થયો નહોતો અને સંપૂર્ણ અંધકાર હતો એમ શૂન્ય માંથી સૃષ્ટિ નું સર્જન થયેલું છે. આ માન્યતા પણ આપણા તત્વજ્ઞાન સાથે સુમેળ ધરાવે છે.વાયુ પુરાણ માં વિશ્વ ની ઉત્પત્તિ માટે ની વિભાવના મુજબ  પ્રારંભ  માં દરેક સ્થળે બ્રહ્મ હતું ,આ બ્રહ્મ ને રંગ નહોતો ,તેને સ્પર્શ પણ શક્ય ના હતો , તેનું કોઈ મૂળ ન હતું કે પ્રારંભ કે અંત પણ નહતો, આ બ્રહ્મ માં ધીમે ધીમે ફેરફાર થઈને વિશ્વ ઉત્પન્ન થયું .નાસદીય સૂક્ત મા પણ આ પ્રમાણે ની માન્યતા ઉપરાંત એમ પણ માનવામાં આવેલ છે કે પ્રારંભ માં અત્યંત અંધકાર હતો .
 
 આધુનિક કવોન્ટમ વાદ ના પ્રણેતાઓ  જવાકે બોહર (Bohr) , શ્રોડિંજર (Schrodinger) ,હેજનબર્ગ (Heisnberg)અને બોહમ (Bohm) પર પૂર્વ ની ગૂઢ વિચારધારા નો પ્રભાવ હતો .આ વિષય પર ઘણા બધા પુસ્તકો લખાયેલ છે. જેમાં ફ્રીત્જ કાપ્રા (Fritz Capra) નું પુસ્તક “ The Tao of Physics “ નોંધ પાત્ર છે . મહર્ષિ મહેશ યોગી ના જૂથ ના ભૌતિકશાસ્ત્રી ઓ શ્રી સુભાષ  કાક , અમિત ગોસ્વામી , જ્હોન હગેલીન (John Hagelin) વગેરે વિદ્વાનો એ ઘણા સંશોધનાત્મક કાર્ય કરેલ છે.
 આટલી ચર્ચા પરથી જોઈ શકાય છે કે સાપેક્ષવાદ અને આધુનિક વિજ્ઞાન ની પ્રાયોગિક રીતે ચકાસાયેલ માન્યતાઓ અને હિદુ તત્વજ્ઞાન ની માન્યતાઓ ને સંપૂર્ણ સમર્થન આપે છે . વાસ્તવ માં જોઈએ તો આધુનિક વિજ્ઞાન ના પ્રારંભ પહેલા હજારો વર્ષ પહેલાની હિંદુ તત્વજ્ઞાન  એટલેકે વેદ ,ઉપનિષદ અને પુરાણો ની માન્યતા ખુબ સમૃદ્ધ અને સચોટ છે . આપણે અત્યારે એટલું તો જરૂર વિચારીએ કે આપણા મૂળ તત્વજ્ઞાન ને  આપણે કદાચ વધારે સમૃદ્ધ તો બનાવી શકીએ પણ તેની જાળવણી તો ચોક્કસ કરીએ અને આપણા  ઋષિ મુનિ   આપેલ અમૂલ્ય વારસા નું જતન કરીએં
                ------------------------ xxxxxx-----------------------------------                                                                                        



No comments:

Post a Comment